જય શ્રી કૃષ્ણ.
ગીતા પરિવાર સાથે જોડાઈને મારા જેવા ઘણાના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવ્યા છે. હું મારી જ વાત કરું , મારા માં આવેલા પરિવર્તન ની વાત કરું , મારી અકારણ ચિંતાઓ કાયમ માટે જતી રહી છે.
રાતની ઊંઘ, જે પહેલાં વચ્ચે વચ્ચે જાગી જવાથી પૂરી નહોતી થતી તે હવે રાતથી સવાર સુધી શાંત નિદ્રા આવે છે. મારી વિચારશક્તિ એકદમ સંતુલિત થઈ ગઈ છે. સંપૂર્ણપણે શ્રીકૃષ્ણ પ્રત્યે સમર્પણ ભાવ આવી જવાથી કોઈ વાતની ફિકર ચિંતા રહેતી નથી. સારા માઠાં પ્રસંગોમાં વિચલિત નથી થવાતું કેમ કે ગીતા પરિવાર માં જોડાઈને ગીતાજીને જીવનમાં ઉતારવાના પ્રયત્નોથી આત્મવિશ્વાસ વધ્યો છે.
ગીતા પરિવાર માં સેવા આપવાથી અનેરો આનંદ આવે છે. ગીતા પરિવાર ની સેવા કહો, ગીતાજી ની સેવા કહો કે શ્રીકૃષ્ણ ની સેવા બધું એક જ છે. ગીતા પરિવાર માં સેવા કરવાનો જે અનુભવ છે તે અદ્ભુત છે અને તે શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. એના માટે તો સેવા કરવાનો સ્વઅનુભવ જ લેવો પડે.ગીતા પરિવાર માં 12000 જેટલા સ્વંસેવકો કોઈ પણ બદલા ની આશા રાખ્યા વગર સેવાકાર્ય માં યોગદાન દઈ રહ્યા છે.
હું પણ ગીતા પરિવાર માં યોગદાન આપવા ટ્રેનર બની અને જ્યારે બધાને શુદ્ધ શ્લોક બોલતા શીખવાડું છું ત્યારે મારા અને મારા જેવા દરેક ટ્રેનરોમાં નમ્રતા આપોઆપ જ જીવનમાં આવી જાય છે. નમ્રતા ગીતા પરિવારના દરેક સેવી નો સ્વભાવ બની જાય છે. (यतवाक्कायमानस:) જ્યારે હું ભણાવતી હોઉં અને કોઈની ભૂલ થાય અને તે પણ જો વારંવાર ભૂલ થાય તો પણ હું શાંતિથી સમજાવું છું કારણકે નમ્રતા આપોઆપ જ આવી જતી હોય છે.
એક વખત મારી દીકરી એ જોયું કે હું શાંતિથી બધાને ભણાવું છું ને હું જરા પણ ચિડાતી નથી ,ત્યારે મારી દીકરીએ મને કહ્યું કે મમ્મી, જ્યારે તું મને ભણાવતી હતી ત્યારે તું મને કેટલું ચિડાતિ હતી અને આ લોકો આટલી બધી ભૂલો કરે છે તો પણ તું કેટલું શાંતિથી એ લોકોને સમજાવે છે તો મેં કહ્યું, બેટા, ત્યારે જો હું ગીતા પરિવાર સાથે સંકળાયેલી હોત તો ત્યારે હું કદાચ તને પણ ના વઢી હોત અને એ બધો બદલાવ ગીતાભ્યાસ ને આભારી છે.
પરમ પૂજ્ય સ્વામી ગુરુ ગોવિંદ દેવગિરીજી ના આશીર્વાદ અને પ્રેરણાથી ગીતા પરિવાર માં નીતનવા કાર્યક્રમો અવિરત થયા જ કરે છે . મોટામાં મોટી મલ્ટીનેશનલ કંપની થી પણ વધારે સરળતાથી અને સુંદર રીતે બધું આયોજન યોજનાબદ્ધ રીતે થાય છે. અનેક ભાષાઓમાં રોજના લગભગ 2000 જેટલા વર્ગો , સવારે ૪ વાગ્યા થી રાત્રે ૨ વાગ્યા સુધી લેવાય છે તે અકલ્પ્ય લાગે અને દરેક વર્ગ એકદમ સુચારુ રૂપે સમયસર શરૂ થાય છે. અડધી મિનિટનો પણ વિલંબ નથી થતો. ટાઈમ મેનેજમેન્ટ એ ગીતા પરિવાર ની ઓળખાણ છે.
10 લાખથી વધુ લોકોનું જીવન પરિવર્તન કરવાનું શ્રેય પરમ પૂજ્ય સ્વામી ગુરુ ગોવિંદદેવગિરીજી અને બધા વરિષ્ઠ કાર્યકર્તાઓને જાય છે એમના માર્ગદર્શનથી એટલા બધા નવા નવા કાર્યક્રમો થતા રહે છે કે ગણવા બેસીએ તો નવાઈ લાગે કે ગીતા પરિવાર આપણા સમાજને કેટ કેટલા નિ:શુલ્ક લાભ આપી રહ્યા છે, જેમાં સોમવારથી શુક્રવાર શુદ્ધ સંસ્કૃત શ્લોક ના ઉચ્ચારણ ના વર્ગો, શનિવારે અને રવિવારે ગીતા વિશારદ કે ગીતા પ્રવિણા દ્વારા વિવેચન, દર રવિવારે વિવિધ પરીક્ષાઓ, વ્યાકરણના વર્ગો, પરિક્ષા માટે વધારાના વર્ગો, એકાદશીના દિવસે ચિંતનિકા, દરરોજ સવારે 6.30 વાગે અને રાત્રે 9.30 વાગે ગીતા વ્રતી દ્વારા રોજ નો એક અધ્યાય નું પારાયણ અને 5 હનુમાન ચાલીસા.દરેક રવિવારે સંપૂર્ણ ગીતાજી નુ પારાયણ,તે સિવાય ગીતા જયંતિ હોય કે ઓનલાઇન વાર્ષિક ઉત્સવ , કેટકેટલા વિવિધ કાર્યક્રમો અવિરત ચાલી રહ્યા છે અને સાથે સાથે ઓફલાઈન કાર્યક્રમો પણ પૂરજોશથી સમસ્ત વિશ્વમાં ચાલી રહ્યા છે. ભારતમાં જ નહીં ભારતની બહાર પણ ઘણા સેવીઓ ઓફલાઈન કાર્યક્રમો કરી રહ્યા છે જેમાં બાળ સંસ્કાર તો ખૂબ જ મહત્વનું કાર્ય છે જેનાથી બાળકોને સારા સંસ્કાર મળે અને ગીતાજી સાથે જોડાય અને આપણા ધર્મથી તેઓ માહિતગાર થાય.
એ સિવાય એક નવતર પ્રયોગ પણ ગીતા પરિવારે કર્યો છે. જેલના કેદીઓને માટે ગીતા વર્ગો શરૂ કરવામાં આવ્યા છે તેનાથી ઘણા બધા કેદીઓનું જીવન પરિવર્તન પણ થશે ,હૃદય પરિવર્તન પણ થશે.
ગીતા પરિવારે એક ઇતિહાસ રચ્યો છે.
હું ગીતા પરિવાર સાથે ફક્ત 15 મો અધ્યાય શીખવા માટે જોડાઈ હતી પણ પછી ગીતા પરિવારનું અદભુત મેનેજમેન્ટ જોયું અને ગીતાજીની એવી લગની લાગી કે હવે ગીતાજી અને ગીતા પરિવાર સિવાય જીવવું મુશ્કેલ બની ગયું છે.
અમે સર્વ સાધકો અને સેવીઓ પરમ પૂજ્ય સ્વામી ગુરૂ ગોવિંદદેવગિરિજી અને ગીતા પરિવારના સદા ઋણી રહીશું.
શ્રીકૃષ્ણની કૃપા ગીતા પરિવાર ઉપર હંમેશા રહે અને ગીતા પરિવારનો હર ઘર ગીતા હર કર ગીતા નો ઉદ્દેશ્ય પૂરો થાય એવી હૃદય પૂર્વકની શુભકામના.
વર્ષા અશોક દેસાઈ
મુંબઈ